ગુજરાતી સાહિત્યજ્યોતિષ અને આધ્યાત્મિકતાવાર્તા અને લેખ

ચૈત્ર સુદ પૂનમ – મા બહુચરનો પ્રાગટ્યોત્સવ

ગુજરાત રાજ્યની બીજી શક્તિપીઠ અને સમસ્ત વિશ્વમાં એક માત્ર એવી સિદ્ધપીઠ, જ્યાં પુરુષાતન વગરના વ્યક્તિને પુરુષાતન પ્રાપ્ત થાય છે. પરાશક્તિ મા બહુચર ભગવતી બાલાત્રિપુરસુંદરીનું બાળ સ્વરૂપ છે જેણે પોતાના ઉપરના હાથમાં તલવાર અને વેદ તથા નીચલા હાથમાં અભયમુદ્રા અને ત્રિશૂળ ધારણ કરેલા છે. માનું વાહન કૂકડો છે જે શાંતિ અને નિર્દોષ વાત્સલ્યનું પ્રતીક છે. ગુજરાતના સુવર્ણયુગ એવા સોલંકીકાળ દરમ્યાન કૂકડો એ રાજ્યધ્વજનું પ્રતીક હતો. ગુજરાતના મહેસાણા જિલ્લાથી આશરે 35 કિમી દૂર આવેલું આ ધામ અસંખ્ય ભક્તોની અનન્ય આસ્થાનું પ્રતીક છે.

ચૈત્ર સુદ પૂનમે બાપલ દેથા ચારણ અને દેવળબાના ઘેર મા બહુચરે પોતાની અન્ય ત્રણ બહેનો બુટ, બલાડ અને બાલવી સાથે અવતાર લીધેલો. એ સિવાય બહુચરાજી ખાતે માનું પ્રથમ પ્રાગટ્ય દંઢાસુરના નાશ વખતે, બીજું પ્રાગટ્ય ગોવાલોના બાળકોએ કુલડીમાંથી કટક જમાડેલું એ વખતે અને ત્રીજું પ્રાગટ્ય સોલંકીવંશના રાજકુમારને નારીમાંથી નર બનાવ્યો તે વખતે થયેલું. કપિલ મુનિ દ્વારા પ્રતિષ્ઠિત થયેલ મા બહુચર આજે પણ અહી પરચા પૂરે છે. ગમે તેવા રોગ, આધિ વ્યાધિ ઉપાધિ, નિઃસંતાનપણું, નેત્રહિનતા, નપુંસકતા વગેરે તમામ સમસ્યાઓમાંથી અહી લોકોને મા મુક્તિ અપાવે છે. અહીં માના કુલ ત્રણ મુખ્ય સ્થાન છે. મૂળ સ્થાન, વરખડીના વૃક્ષ નીચે છે જ્યાં મા બાલા સ્વરૂપે બિરાજે છે. ત્યારબાદ તેની જમણી તરફ અક્ષયપાત્રની દેરી જોડે જ્યાં માતાજી યુવા સ્વરૂપે બાલાયંત્રમાં નિવાસ કરે છે અને હાલનું મૂળ મંદિર જ્યાં સહુ કોઈ લાઈનમાં ઊભા રહીને માના પ્રૌઢ સ્વરૂપના દર્શન કરે છે. માના મુખ્ય મંદિરના ગર્ભગૃહમાં માતાજીનો ગોખ આવેલ છે જ્યાં માનું મુખારવિંદ અને સ્ફટિકનું બાલા યંત્ર પ્રસ્થાપિત છે, જેને સોનાનું કવચ ચડાવેલ છે. અહીં માને સોળે શણગાર સજાવીને રોજ અલગ અલગ વાહનોની સવારી સાથે તૈયાર કરવામાં આવે છે અને મા રોજ નવા નવા સ્વરૂપે ભક્તોને દર્શન આપે છે.

મુખ્ય મંદિરની ત્રણ બાજુ દરવાજા અને ચારેય ખૂણામાં બુરજ આવે છે. મંદિરની પાછળની તરફ માનસરોવર કુંડ આવેલ છે, જ્યાં લોકો પોતાના કુળના રિવાજ મુજબ બાળકોનું મુંડન કરાવવા આવે છે.

“સેણ વિહોણા નેણ નેણા તું આપે મા,
પુત્ર વિહોણા કહેણ મેણાં તું કાપે મા.”

જે વ્યક્તિને જે અંગની પીડા હોય તેની મુક્તિ માટે માતાજીને પ્રાર્થના કરે છે અને પીડા દૂર થતાં જે તે અંગની ચાંદીની પ્રતિકૃતિ માને અર્પણ કરે છે. મંદિરના પ્રાંગણમાં માના કુકડા રમતા જોવા મળે છે તો બીજી તરફ બાળકોની પ્રતિકૃતિ સ્વરૂપ પૂતળાં જોવા મળે છે, જે નિસંતાનોને સંતાન મળ્યાની સાક્ષી પૂરે છે. મંદિરના પ્રાંગણમાં વ્યંડળો પણ જોવા મળે છે, જે માને સૌથી પ્રિય છે. આ સિવાય પ્રાંગણમાં ગણપતિ દાદા, હનુમાનજી, મહાદેવ તથા માતાજીના છડીદાર શ્રી નારસંગવીર મહારાજની દેરીઓ આવેલી છે.

અહીંથી ત્રણ કિલોમીટર દૂર શંખલપુર આવેલું છે. કહેવાય છે કે દંઢાસુર સાથે યુધ્ધ કર્યા બાદ માતાજીએ અહી વરખડીનાં વૃક્ષ નીચે વિરામ કરેલો હતો. દર વર્ષે ચૈત્રી અને આસો મહિનાની પૂનમે અહી માતાજીને પાલખીમાં બેસાડીને બહુચરાજીથી શંખલપુર સુધી લાવવામાં આવે છે તથા માતાજીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે અને આ નગરયાત્રા દરમ્યાન મા સહુ ભક્તોને દર્શન આપે છે. મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોની સુવિધા માટે ધર્મશાળા અને ભોજનશાળાની સગવડ કરવામાં આવી છે. શક્તિપીઠમાં માનું અનુષ્ઠાન કરી શકે એ હેતુથી નજીવા દરે માતાજીનો એકચંડી, સપ્તચંડી કે નવચંડી યજ્ઞ કરાવી શકાય એવી યોજનાનું પણ આયોજન કરવામાં આવેલ છે. મુખ્ય મંદિરમાં પૂજારી તેજસભાઇ રાવલ, વરખડીવાળા સ્થાનકે તુષારભાઈ ભટ્ટ તથા યજ્ઞશાળામાં મનીષભાઈ મહારાજ દ્વારા સમસ્ત દર્શન અને યાગપ્રક્રિયાનું સુંદર સંચાલન કરવામાં આવે છે.

તો ચાલો સહુ મળીને બહુચરાજી જઈએ અને માની અનન્ય કૃપાનો લ્હાવો લઈએ.

આદિત શાહ “અંજામ”
83064 11527

Related posts
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

સ્વર્ગ કે નર્ક?

“તે ઘણાં ખોટા કામ કર્યા છે. તારે…
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

ચેટીચંદ - ઝૂલેલાલદેવનો જન્મદિવસ

ભગવાન ઝૂલેલાલનો જન્મ ચૈત્ર સુદ બીજના…
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

પ્રેમ

આજે પ્રોપોઝડે છે. કોલેજનું વાતાવરણ…
Read more

Leave a Reply

%d bloggers like this: