Pic - Google
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

સ્વર્ગ કે નર્ક?

“તે ઘણાં ખોટા કામ કર્યા છે. તારે નર્કમાં જવું પડશે.” યમરાજે મનુષ્યને કહ્યું. (આકાશમાં આજ બધી આત્માઓનો હિસાબ થતો હતો કે તે નર્કમાં જશે કે સ્વર્ગમાં?)
50,000માંથી 40,000 લોકો નર્કમાં જતાં હતાં જ્યારે 10,000 લોકો જ સ્વર્ગમાં જતાં હતાં. જ્યારે જે લોકો નર્કમાં જતાં હતાં, ત્યારે તેમાંનો એક મનુષ્ય બોલ્યો, “આ અન્યાય છે. તમને નથી લાગતું તમને તમારી સિસ્ટમ અપડેટ કરવી જોઈએ? એ તો બહુ જૂની રીત થઈ ગઈ, સારા કામ કરે એ સ્વર્ગમાં અને ખરાબ કામ કરે એ નર્કમાં જાય. આજની દુનિયામાં જો કોઈ આખી જિંદગી સારા જ કામ કરે તો એ ટકી જ ન શકે. જો તમે સિસ્ટમ અપડેટ નહિ કરો તો અમે આંદોલન કરીશું.” યમરાજે આ વાત ભગવાન સુધી પહોંચાડી. ભગવાન પોતે ત્યાં આવ્યા અને પૂછ્યું, “ઠીક છે, તમે લોકો અમને કહો કે શું સિસ્ટમ હોવી જોઈએ આજની દુનિયામાં?” એમાનો એક મનુષ્ય કહે છે, “માણસ ખરાબ છે કે સારો છે, એ કેટલાં માણસો તેને ગમાડે છે તેના પરથી ખબર પડે. તેથી આજની દુનિયામાં તમને જોવું જોઈએ કે સોશિયલ મીડિયા પર જેના વધું ફોલોવર્સ હોય, જેને RIPના વધુ મેસેજ આવે તેમણે સ્વર્ગમાં જવું જોઈએ અને જેના ઓછા હોય તેમણે નર્કમાં જવું જોઈએ.” ભગવાને આ સિસ્ટમ રાખવાની હા પાડી દીધી. પણ એ સાથે જ ભગવાન કહે છે, “હું તમારી વાતને ધ્યાનમાં રાખી આ સિસ્ટમ રાખીશ. પણ એક શરત સાથે, જો ભવિષ્યમાં આ સિસ્ટમને પણ હટાવા તમે લોકો માંગ કરશો, તો હું મારી અપડેટેડ સિસ્ટમ રાખીશ. અને તે તમને લોકોને ચલાવવું જ પડશે.” બધાં મનુષ્યો આ શરત ધ્યાનમાં રાખી ભગવાનને સિસ્ટમ અપડેટ કરવાની પ્રાર્થના કરે છે. ભગવાન સિસ્ટમ અપડેટ કરી દે છે. યમરાજ ભગવાનને કહે છે, “આ તમે શું કરી રહ્યા છો? એક મનુષ્યની વાત શું કામ માની રહ્યાં છો? આવી રીતે તો તે સૌ સ્વર્ગમાં જ જશે.” ભગવાન યમરાજની વાત ન સાંભળી મનુષ્ય લોકમાં આ વાત ફેલાવી દે છે. બધાં જ મનુષ્ય ખૂબ ખુશ થઈ જાય છે એમ વિચારીને કે આ કામ તો બહુ સહેલું છે. બધાં લોકો પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ બનાવી લે છે. સૌ એક-બીજાને ફોલો કરવા મંડે છે.

(પહેલું અઠવાડિયું પૂરું થાય છે. )

મૃત્યુલોકમાં ઘણી આત્માઓ આવે છે. હિસાબ શરૂ થાય છે. બે-બે લોકોને બોલાવે, તે બન્નેમાંથી જેના વધારે ફોલોવર્સ હોય તેને સ્વર્ગમાં જવા દે. અને જેના ઓછા હોય તેને નર્કમાં જવા દે. રાજ અને સુરેશની વચ્ચે જ્યારે જોવાનો વારો આવ્યો ત્યારે રાજ યમરાજને કહે છે, “સુરેશ તો પોતાના જીવનમાં એક પ્રખ્યાત ગાયક હતો. તેને તો લાખો લોકો ફોલો કરે છે. તેની સાથે તમે મારી તુલના કઈ રીતે કરી શકો? આ તો અન્યાય છે.” ત્યાંજ પાછળથી ભગવાન બોલે છે, “પણ તમારા લોકોનું જ તો કહેવું હતું કે ફોલૉર્સનો મતલબ તમને વધુ લોકો પ્રેમ કરે છે. જેનો સીધો મતલબ થાય કે તમે કંઈક સારા કામ કર્યા હશે. તેનો મતલબ તમે કંઈક સારું ન કર્યું હોય, તેથી જ તમને વધુ ફોલોવર્સ ન મળ્યા.” રાજ બોલે છે, “ફોલોવર્સ હોવા ન હોવાથી કેમ ખબર પડે કે કોઈ સારું માણસ છે કે નહીં. મેં પણ ઘણાં સારા કામ કર્યા હતા. પણ લોકોએ મને જાણ્યું જ નહીં. જો જોવા જઈએ તો મારો પરિવાર મને ઘણો પ્રેમ કરે છે. તે લોકો મારાં માટે ઘણું રડ્યા. તેનો મતલબ હું એક સારો વ્યક્તિ હતો. અમને લોકોને માફ કરી દો ભગવાન! આવો તુચ્છ વિચાર એક મનુષ્ય જ કરી શકે. જો આ જ સિસ્ટમ ચાલુ રહેશે તો પછી ઘણાં લોકો સાથે અન્યાય થશે. મનુષ્ય લોકો અને મૃત્યુ લોકમાં કંઈ ફરક જ નહીં રહે. મૃત્યુ લોક જ એક એવી જગ્યા છે જ્યાં કોઈ મોટા-નાના, ધનવાન-ગરીબ, પ્રખ્યાત-અપ્રખ્યાતને જોયા વગર બસ એ જોવે કે મનુષ્ય કેવો છે? તેને સારાં કામ કર્યા છે કે નહીં? જો ખરાબ કામ કર્યા તો તેને સજા આપે. અમને માફ કરી દો. અમે ખોટા હતાં.” બધાં મનુષ્ય ભેગા થઈ ભગવાનની માફી માંગે છે.
ભગવાન કહે છે, “જેમ કે મેં કીધું હતું જો તમને લોકોને આ સિસ્ટમ હટાવી પડશે, તો હું જે સિસ્ટમ કહીશ તે લાગુ પડશે. અને એ સિસ્ટમ ખૂબ અઘરી હશે. પણ હું તો પણ તમારા લોકો પર દયા કરી ફરી તમારો જ એક વિચાર લઈશ. રાજે કહ્યું કે તેના માટે તેનો પરિવાર ખૂબ રડ્યો છે, જેનો મતલબ તે ખૂબ સારો વ્યક્તિ હતો. તો એ વિચારને ધ્યાને લઈ હું આગળ વધીશ. જે માણસની મૃત્યુ પાછળ 25 લોકો સાચા હૃદયથી રડશે તે સ્વર્ગમાં જઈ શકશે. અને જેની પાછળ 25 જણા પણ નહિ રડે તે નર્કમાં જશે. અને આ મારો છેલ્લો નિર્ણય છે.” આ જાહેરાત કરી ભગવાન ત્યાંથી ચાલ્યા ગયાં.
બીજે દિવસે મનુષ્યલોકમાં આ વાત ફેલાવવા મંડી. બધાં લોકોને થયું કે આ સિસ્ટમ પહેલી સિસ્ટમ કરતા વધુ સહેલી છે. કારણ કોઈ પણ માણસની મૃત્યુ વખતે ઘણાં બધાં લોકો રડતા હોય છે. તેથી બધાં ખુશ થઈ ગયાં.

(બીજું અઠવાડિયું પૂરું થાય છે)

ભગવાનની નવી અપડેટેડ સિસ્ટમથી આજનો હિસાબ શરૂ થાય છે. પહેલો મનુષ્ય આવે છે પોતાના મોઢા પર સ્મિત સાથે. કારણ એને ખબર હોય છે કે એની પાછળ 50-100 માણસો રડ્યા હતાં જ્યારે એ મૃત્યુ પામ્યો હતો. પણ એને નર્કના દરવાજા પાસે મોકલી દે છે. ધીમે-ધીમે હિસાબ પૂરો થવા આવે છે અને ખબર પડે છે કે 50,000માંથી 48,000 લોકો નરખમાં જવાના છે, જ્યારે ખાલી 2000 લોકો જ સ્વર્ગમાં જવાના હોય છે. બધા લોકોને અનેક સવાલો ઉભા થાય છે. સિસ્ટમમાં કંઈક ગોટાળો છે. એવું બધા કહેવા મંડે છે. તેમાંનો એક વ્યક્તિ જેનું નામ મુકેશ છે તે આગળ આવી બોલે છે, “મને પાકી ખબર છે હું જ્યારે મૃત્યુ પામ્યો હતો ત્યારે મારી પાછળ 25ની માથે લોકો રડ્યા હતાં. તો પછી હું નર્કના દરવાજા પાસે શું કામ ઉભો છું? મને જવાબ જોઈએ છે.” મુકેશ ગુસ્સે થતાં બોલે છે. ભગવાનને ફરી બોલાવવામાં આવે છે. ભગવાન મુકેશને કહે છે, “શું તું ચોક્કસ છો કે તારી પાછળ તારો પરિવાર રડ્યો? મેં જ્યારે સિસ્ટમ જાહેર કરી ત્યારે મારો કહેવાનો મતલબ હતો કે જે સાચા મનથી રડ્યા હશે તેનાં જ આસું ગણાશે.” એમ કહી ભગવાન મુકેશને મનુષ્યલોકથી કનેક્ટ થતું એક ટીવી દેખાડે છે. મુકેશ જોવે છે કે તેના બાળકો ખુશ હોય છે કે તે મૃત્યુ પામ્યા હતાં, કારણ તેમની બધી મિલકત હવે તેમને મળવાની હોય છે. મુકેશની પત્ની પણ ખુશ હોય છે કારણ મુકેશ હમેશા તેની પત્નીને મારતો જ્યારે પણ તે કઈ ભૂલ કરતી. હવે તેની પત્ની શાંતિનું જીવન જીવી શકશે. તેના ભાઈ-ભાભીઓ તો હંમેશા જ તેની સફળતાથી ઈર્ષા થતી, તેથી તે લોકો પણ સાચા આસું નથી રડ્યા. અને તેના બધાં મિત્રો તો બસ દેખાડો માટે રડ્યા હતા. આ બધું જોઈ મુકેશને ખૂબ દુઃખ થાય છે. ભગવાન બોલે છે, “કોઈ પણ માણસને સાચી રીતે પોતાના પુરા દિલથી પ્રેમ કરવું ખૂબ અઘરું હોય છે. તમારા આખરી દિવસોમાં ગણતા લોકો જ એવા હશે જે તમારી પાછળ રડશે. પ્રેમ પામવો એટલો સહેલો નથી. આશા છે કે હવે તમને લોકોને ખબર પડી હશે કે એક મનુષ્ય હંમેશા જ છેતરપિંડી, દેખાડા માટેના પ્રેમ અને ઈર્ષા સાથે જીવતો હોય છે. કોઈકના જીવનમા પોતાની કમી કરાવવી એ ખૂબ અઘરી વાત છે. હા, રાજની એ વાત સાચી હતી કે તેની પાછળ બધાં રડે તેનો મતલબ તે સારો માણસ હતો. પણ સવાલ છે કે કેટલાં લોકોને દિલથી દુઃખ થાય છે તમારા મૃત્યુ પર? આ વિચાર સાથે જ મેં આ સિસ્ટમ બનાવી હતી.” બધાં લોકો ભગવાનને ફરી સૌથી જૂની જ સિસ્ટમ કે જેમાં સારા કામ અને ખરાબ કામ જોવાતાં તે સિસ્ટમ પર જવાની પ્રાર્થના કરે છે. ભગવાન મોટું અને દયાળુ મન રાખી એ જ જૂની સિસ્ટમ રાખી લે છે. અને ફરી સ્વર્ગ-નર્કની દુનિયા સરખી અને સાચી સિસ્ટમથી ચાલુ થાય છે. ફરી એક વાર મનુષ્ય ભગવાનની સામે ખોટો સાબિત થાય છે.

નિતી સેજપાલ “તિતલી”

Related posts
ગુજરાતી સાહિત્યજ્યોતિષ અને આધ્યાત્મિકતાવાર્તા અને લેખ

ચૈત્ર સુદ પૂનમ - મા બહુચરનો પ્રાગટ્યોત્સવ

ગુજરાત રાજ્યની બીજી શક્તિપીઠ અને…
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

ચેટીચંદ - ઝૂલેલાલદેવનો જન્મદિવસ

ભગવાન ઝૂલેલાલનો જન્મ ચૈત્ર સુદ બીજના…
Read more
ગુજરાતી સાહિત્યવાર્તા અને લેખ

પ્રેમ

આજે પ્રોપોઝડે છે. કોલેજનું વાતાવરણ…
Read more

Leave a Reply

%d bloggers like this: