ઉનાળો આવતાં અથાણાં બનાવવાની સીઝન ચાલુ થઈ જાય છે, પરંતુ આજકાલ આ રીત વિસરાતી જાય છે અને બધાં બજારમાં મળતા અથાણાં જ ઉપયોગમાં લેતાં હોય છે તેથી આજે આપણે શીખીશું ગોળકેરીનું અથાણું. કારણ ગુજરાતી થાળી અથાણાં વગર અધૂરી લાગે છે.
સામગ્રી
રાજાપુરી કેરી – ૧ કિલો
ગોળ – ૧ કિલો
૩૦ ગ્રામ રાઈ ના કુરિયા
૨૦ – ૨૫ ગ્રામ મેથી ના કુરિયા
૭૦ ગ્રામ ધાણા ના કુરિયા
૨ ચમચી કાશ્મીરી મરચું
૨ ચમચી રેગ્યુલર મરચું
૧/૨ ચમચી મીઠું
૨ મોટી ચમચી તેલ
૧/૨ ચમચી હળદર
હિંગ , કાળા મરી
૨ સૂકા લાલ મરચા
બનાવવાની રીત:-
સૌ પ્રથમ કેરીને ધોઈને તેનાં કટકા કરી લેવાં, હવે તેમાં હળદર-મીઠું નાખીને સરખું મિક્સ કરી લેવું અને આખી રાત રહેવા દેવું. સવારે કોટનના કપડામાં કેરીના કટકાને છુટા કરી પંખા નીચે ૩-૪ કલાક સુધી સૂકવવા. ત્યાં સુધી એક બાઉલમાં રાઈના કુરિયા, મેથીના કુરિયા, હળદર, મીઠું, હિંગ, કાળા મરી ઉમેરવા, અને સૂકા લાલ મરચાં ઉમેરવા,હવે તેલ ગરમ કરી નવસેકું થાય એટલે આ મિશ્રણમાં મિક્સ કરી સરખું હલાવવું, અને જ્યારે એકદમ ઠંડુ થઈ જાય એટલે તેમાં બન્ને મરચાં પાવડર નાંખીને એકરસ કરવું. હવે તેમાં હળદર મીઠાંવાળી કેરી મિક્સ કરવી અને જરૂર મુજબ થોડું મીઠું નાખવું, હવે ઝીણો સમારેલો ગોળ નાખવો, હવે તેને ઢાંકીને ૪-૫ દિવસ રહેવા દેવું, અને રોજ એકવાર હલાવવું, ધીમે ધીમે ગોળ ઓગળી જશે, જ્યારે એકદમ ઓગળી જાય ત્યારે અથાણું તૈયાર થઈ જાય છે એટલે તેને કાચની બરણીમાં ભરી મૂકી દેવું. આ અથાણું એક વરસ સુધી બગડતું નથી.
-મનિષા સેજપાલ