Pic - Googl

“પ્લીઝ ! આગળના ગામ સુધી જરા લઈ જશો ?” એક અજાણ્યા યુવાનનો અવાજ સંભળાયો.
અંધારી રાતના એક વાગી ગયા હતા, રસ્તો સુમસામ હતો, મનમાં ખબર હતી કે અત્યારના સમયે કોઈ જ બીજું વાહન નહિ મળે પણ મનમાં સાથે સાથે ડર પણ લાગતો હતો. બધા વિચારો પડતા મૂકી વાક્યમાં રહેલ મજબૂરી અને એની આગળ રહેલ પ્લીઝને ધ્યાનમાં લઈ નિશાએ સ્કૂટીની બ્રેક મારી.
બ્રેક મારેલી જોઈને નિલય તરત નિશા પાસે આવ્યો અને પૂછ્યા વગર જ એની પાછળ બેસી ગયો, વળી ખભા પર બે વાર ઠપકારો કરી, “ચાલો જલ્દી !” કહીને વધારે પડતી ઉતાવળ દર્શાવી.
નિશાને થોડું-ઘણું અજીબ તો લાગ્યું પણ કંઈક મજબૂરી હશે એમ માનીને નિલયની ઉતાવળને સમ્માન આપીને ફટાફટ સ્કૂટી ચાલુ કરી.

એક તો સ્ત્રીની જાત અને એમાં મધરાત, કોઈ અજાણ્યા જુવાન માણસને આમ પાછળ બેસાડીને નિશા કદાચ પહેલી વાર જઈ રહી હતી. સાવ સુમસામ રસ્તા પર સ્કૂટીના એન્જીન અને કાને અથડાતી હવા સિવાય એક પણ અવાજ નહોતા. સુસવાટા મારતો ઠંડો પવન શરીરના રૂંવાટા ઉભા કરી દે એવો હતો. નિશાને નિલયના શરીરનું એકેય અંગ અડતું નહોતું એ રીતે નિલય બેઠો હતો એટલે થોડી થોડી વારે નિશા સહેજ બાજુમાં જોઈને નિલયની હાજરીની ખાતરી કરી લેતી. નિલયના કપડાં થોડા યોગ્ય ન લાગ્યા, જોકે ઉપર તો નિલયે કાળું જેકેટ પહેર્યું હતું પણ નીચે સફેદ લેંઘો ભૂરી પટ્ટી વાળો ! જાણે જેલના કેદીઓને પહેરવેશ અપાતો હોય એવો ! આથી નિશાના મનમાં અનેક પ્રશ્નોના અવાજ ગુંજયા અને એક સાદા પ્રશ્ન, “તમારું નામ !?” થી વાર્તાલાપ શરૂ થયો.
“નિલય.”
“હું મારા પપ્પાને સ્ટેશન મુકવા ગઈ હતી, એમને ટ્રેન હતી એટલે, તમે કેમ આટલી મોડી રાત્રે અહીં ? તમે ક્યાંથી આવ્યા છો ?”
“જેલ.”
આ શબ્દ સાંભળી નિશા સુન થઈ ગઈ, ઠંડો પવન હતો છતાં ગળે પરસેવો થઈ ગયો અને સહેજ હિંમત કરી નિશાએ ફરી નિલયને પૂછ્યું, “કેમ જેલ ?
“હું જેલથી થોડા સમય માટે બહાર નીકળ્યો છું, કેટલાક કામ પતાવવા.” નિલયના અવાજમાં થોડી ગંભીરતા હતી અને નિશા સાથે વાત કરવામાં બિલકુલ નીરસતા.
મનોમન નિશા પહેલા કરતા ઘણું વધારે વિચારવા લાગી. જેલથી ભાગી નીકળ્યો હશે આ કે પોલીસે છોડ્યો હશે ? આ માણસનો ઈરાદો શું હશે ? કોઈને ફરી મારી નાખવા બહાર નીકળ્યો હશે કે બીજું કામ હશે ? ત્યાં પાછળથી નિલયનો અવાજ નિશાના કાન સાથે અથડાયો.
“ગભરાશો નહિ, હું કોઈ ખતરનાક માણસ નથી. બસ તમે થોડું જલ્દી ચલાવો, મારા ઘરે મારી પત્ની કદાચ મારી રાહ જોઈ રહી છે !”
ખૂબ આશ્ચર્યપૂર્વક નિશાએ પૂછ્યું, “કદાચ ?”
“હા. એને મેં કીધું હતું, તારા છેલ્લા સમયે તારી પાસે હોઈશ પણ..!”
“છેલ્લા ?”
“હા. એની કદાચ અંતિમ ક્ષણો ચાલી રહી છે. અમારે લગ્નના બે વર્ષ થયાં અને છેલ્લા અઢી મહિનાથી હું જેલમાં છું. મને આજે રાતે સમાચાર મળ્યા કે એના છેલ્લા શ્વાસ ચાલે છે. શું થયું હશે શું નહિ, એ કંઈ જ ખબર નથી. એટલે આટલી રાત્રે ત્યાંથી એકલો નીકળ્યો. મારી ૮ મહિનાની બાળકી પણ એકલી હશે ત્યાં. સોરી હવે ૧૦-૧૧ મહિનાની થઈ હશે.”
આ વાત સાંભળીને નિશાને થોડો વિશ્વાસ આવ્યો કે માણસ કદાચ સારો છે.
“પણ જેલ કેમ ?”
નિલયે આ પ્રશ્નને હસી કાઢ્યો અને કહ્યું, “બહુ લાંબી વાર્તા છે આ, પણ નસીબમાં હોય તો જવું પડે. કોઈ શોખથી થોડું જાય ?”
“પણ થોડું જાણી શકું ?” આ પ્રશ્ન સાથે જ નિલય બોલ્યો, “બસ અહીંથી ડાબે વાળો, મારું ગામ અહીં જ છે.”
નિશાને એકનો એક પ્રશ્ન બીજીવાર પૂછવામાં થોડી શરમ લાગી અને નિલય એ પ્રશ્નનો જવાબ આપવો જરૂરી નહોતો સમજતો એટલે સંવાદ અધુરો રહ્યો, નિલયના ઘર સુધી બંને મૌન જ રહ્યા. નિલય ઉતર્યો અને ફટાફટ ચાલીને એના ઘર તરફ જ વળ્યો. નિશાને એમ કે કદાચ એ થેન્ક્સ કહેશે પણ એવા કોઈ શબ્દો આવ્યા નહિ. નિલય ઘરના દરવાજે પહોંચ્યો અને પાછળ ફરીને નિશા સામે જોયું અને કહ્યું, “હવે તમે જઈ શકો છો..!” એક નાની સ્માઈલ આપી અને દરવાજો બંધ કરીને અંદર જતો રહ્યો.

નિશા ત્યાંથી એના ઘર તરફ રવાના તો થઈ પણ મન અનેક પ્રશ્નો સાથે નિલયના ઘર પાસે જ ચોંટી રહ્યું. વિચારોના વમળ ચાલતા રહ્યા. ‘શું આ બધી વાસ્તવિકતા હશે ? કે કંઈક અલગ જ રમત હશે ? કંઈક અધૂરપ રહી હોય એમ લાગે છે. ઠીક છે, જે હશે એ. જીવનમાં દરેક જગ્યાએ દરેક વાસ્તવિકતા જો સંપૂર્ણ જાણી શકાતી હોત તો તો જોવું જ શું !’ આ વિચાર સાથે નિશાએ નિલયના દરેક વિચારની પૂર્ણતા કરી.

  • કેતવ જોષી

%d bloggers like this: